અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ શહેરમાં આવેલ મોટાભાગના વોર્ડમાં બીટોની સંખ્યા કરતાં, કામદારોની સંખ્યા વધુ હોવા છતાં વોર્ડના પીએચએસ દ્વારા વિસ્તારમાં સફાઈ અને ગંદકી હોવાના બહાના હેઠળ આર. ડબલ્યુ ની કામગીરી કરાવવાની ઉચ્ચ અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવતા હોય છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ એસી કેબિનોમાં બેસીને ! સાચી હકીકતોને જાણ્યા સમજ્યા વિના જ ! આવી મંજૂરીઓ આપીને કોર્પોરેશનની તિજોરી ને મહિને લાખો અને વર્ષે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને ચોકાવનારી માહિતી મળેલ છે.
દરિયાપુર વોર્ડમાં સફાઈની કામગીરીમાં ગેરરીતી ચાલતી હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળતા જનસમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૦૨-૦૬-૨૫ ના રોજ દરીયાપુર ફૂટી મસ્જિદ ખાતે આવેલ વોર્ડ ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ… જવાબદાર અધિકારીઓને મળી, માહિતી મેળવતા જાણવા મળેલ કે દરિયાપુર વોર્ડમાં કુલ ૪૬૧ સફાઈ કામદારોમાં ૧૩૪ કામદારોની જગ્યા ખાલી છે અને હાલમાં કુલ ૩૨૭ સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
દરિયાપુર વોર્ડમાં કુલ ૨૪૭ બીટો આવેલ છે. આ બીટોમાં એક સફાઈ કામદાર દરરોજ સફાઈની કામગીરી કરવા માટે બંદોબસ્ત આપી સફાઈ કરાવવામાં આવે છે. હવે જો વોર્ડમાં ૨૪૭ બિટોની સામે, ૩૨૭ કામદારો એટલે કે બીટો કરતા ૧૦૦ સફાઈ કામદારો વધારે હોય, તો આર. ડબલ્યુની મંડળીઓના કામદારો પાસે કામગીરી કરાવવા અંગે મંજૂરી મેળવવાની શું જરૂર પડે ?
કહેવાય છે કે આ આર. ડબલ્યુ ની કામગીરીમાં મંડળી અને જવાબદાર અધિકારીઓની મિલી ભગતથી વર્ષોથી એકની એક મંડળીઓને કામગીરી સોંપી અને ભ્રષ્ટાચાર આચરવાનું મસમોટુ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જાણવા મળેલ છે.
દરિયાપુર વોર્ડમાં બીટોની સંખ્યા કરતાં કામદારોની સંખ્યા વધુ હોવા છતાં વર્ષોથી એક ની એક કઈ મંડળીને કામગીરી સોંપવામાં આવી રહી છે ? દરિયાપુર વોર્ડમાં આર. ડબ્લ્યુ ની કામગીરી કરાવવાની ખરેખર જરૂરિયાત છે ? કે પછી ભ્રષ્ટાચાર આચરવાના આશયે જ આ કૌભાંડ ચાલી રહ્યું છે ? તેની વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય તો સત્ય હકીકત બહાર આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
મધ્ય ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં મંડળીઓ દ્વારા ચાલતી ગેરરીતી બાબતે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા વોર્ડના પીએચએસ થી લઈને મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી લેખિતમાં ફરિયાદો કરવા છતાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવતી ન હોવાથી..! આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ વિભાગને તપાસના આદેશ આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
દરિયાપુર વોર્ડમાં રેફ્યુજના કયા કયા કામદારો વહીવટ આપીને, કામગીરી કરતા ન હોવા છતાં પોતાની હાજરી પુરાવી રહ્યા છે ! તેવા બેજવાબદાર કામદારોની નામાવલી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…