અ.મ્યુ.કો.માં કર્મચારીઓ અને અધિકારીઓ જ કોન્ટ્રાક્ટ ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો : તપાસની માંગ*
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ ખાનગી એજન્સીઓ મારફતે કામદારો રાખીને કામગીરી કરાવવામાં આવી રહી છે. પરંતુ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ જ પોતાના નામે અથવા અન્ય વ્યક્તિઓના નામે કોન્ટ્રાક્ટ મેળવી પરોક્ષ રીતે કોન્ટ્રાક્ટનો વ્યવસાય ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
આક્ષેપ મુજબ, કોર્પોરેશનના પગારદાર કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની મૂળ સરકારી ફરજથી અળગા રહી કોન્ટ્રાક્ટ મેળવી અને એજન્સીઓનું સંચાલન કરવાની પ્રવૃત્તિમાં સતત સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આક્ષેપોમાં સત્યતા હશે તો તે સરકારી સેવાના નિયમો, પારદર્શિતા અને વિશાળ જન હિત સિદ્ધાંતો સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.**વધુમાં, જે તે વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની મીલીભગત અથવા રહેમનજર હેઠળ આવી ગેરરીતિ લાંબા સમયથી ચાલતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
એક તરફ સરકાર જન ભાગીદારી અને પારદર્શક વહીવટની વાત કરે છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ કર્મચારીઓ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટ વ્યવસાયમાં સંકળાયેલા હોય તો સરકારના અભિગમના લીરેલીરા ઉડતા હોવાનો સવાલ ઊભો થાય છે.
આવી પ્રવૃત્તિઓના કારણે કોન્ટ્રાક્ટ ફાળવણીમાં સ્પર્ધા અને પારદર્શિતાને નુકસાન પહોંચવાની સાથે કોર્પોરેશનની તિજોરીને પણ આર્થિક નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેથી સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ વિભાગોમાં આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ, સંબંધિત એજન્સીઓના માલિકો અને કોર્પોરેશનના કર્મચારીઓ-અધિકારીઓ વચ્ચેના સંભવિત લેતીદેતી ના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હવે સવાલ એ છે કે આ ગંભીર આક્ષેપોની સત્યતા બહાર લાવવા કોન્ટ્રાક્ટ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અધિકારીઓ વિરુદ્ધ કોર્પોરેશન નું વહીવટી તંત્ર તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરશે કે પછી મામલો જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ જુની લાલિયાવાડી નીતિ મુજબ દબાઈ જ જશે તે બાબતે અમદાવાદ શહેર ની જનતા અવઢવ માં છે.

