અમદાવાદ….. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ પાલડી ભઠ્ઠા ખાતે હોટલ પ્લેટિનમ ઈનમાં ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનની બેઠકમાં શિક્ષણવિદો અને એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે ગેરકાયદેસર ટ્યુશન, ડે સ્કૂલ, ડમી સ્કૂલ, શાળાની જગ્યાએ ટ્યુશન ક્લાસિસ અને બોર્ડ પરીક્ષામાં ઇન્ટર્નલ માર્ક્સના મુદ્દે ઠરાવો પસાર કર્યા. આ મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો, અને જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો આંદોલનની ચીમકી આપવામાં આવી.
ફેડરેશનના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું કે, ગુજરાતભરના શિક્ષણવિદો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત લગભગ 3 લાખ લોકો એસોસિએશન સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું, “સરકારે શાળાઓને સવારના સમયે ૫ થી ૬ કલાક ચલાવવાની પરવાનગી આપી છે, પરંતુ શિક્ષણ માફિયાઓએ શિક્ષણને વેપાર અને નફાખોરીનું સાધન બનાવ્યું છે. વાલીઓ પાસેથી ડે સ્કૂલના નામે FRC નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલવામાં આવે છે. એસોસિએશન શાળાઓમાં ચકાસણી કરીને આવા શિક્ષણ માફિયાઓને ઉજાગર કરશે.”
તેમણે વધુમાં કહ્યું કે, સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના શિક્ષકો લાખોનો પગાર મેળવવા છતાં વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરીને ટ્યુશન કરાવે છે. આરટીઇ અને ગુજરાત અધિનિયમ મુજબ, શાળાના શિક્ષકો શાળાના સમયે કે બહાર, પૈસા લઈને કે વગર પૈસે ટ્યુશન કરાવી શકે નહીં. છતાં, શિક્ષકો દ્વારા ગેરકાયદેસર ટ્યુશન ચલાવવામાં આવે છે. એસોસિએશનની રજૂઆત બાદ અમદાવાદના શિક્ષણ અધિકારીએ ૧૬ શિક્ષકોને બરતરફ કર્યા છે. શિક્ષકો ઇન્ટર્નલ માર્ક્સના ૨૦ ગુણનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ટ્યુશન માટે દબાણ કરે છે. આ ઇન્ટર્નલ માર્ક્સની પ્રથા બંધ કરવા એસોસિએશન સરકારને રજૂઆત કરશે.
CBSE શાળાઓમાં ડમી સ્કૂલ અને ડમી વિદ્યાર્થીઓ બંધ કરાયા છે, પરંતુ ગુજરાત બોર્ડની ઘણી શાળાઓ હજુ પણ ડમી વિદ્યાર્થીઓને ભણાવે છે. આકાશ, એલેન, ફિઝિક્સવાલા જેવા કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થીઓ શાળાના સમયે જ ભણવા જાય છે, અને ખાનગી શાળાઓ દ્વારા ડમી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બધી ગેરરીતિઓ બંધ નહીં થાય તો, એસોસિએશન શાળાઓમાં ચકાસણી કરીને વાસ્તવિકતા બહાર લાવશે અને સરકારને રજૂઆત કરશે. જો સરકાર યોગ્ય પગલાં નહીં લે, તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.