જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકામાં ચાલતા અનગઢ વહીવટને કારણે સ્થાનિક પ્રજાને મુશ્કેલીનો સામનો ઘણીવાર કરવો પડે છે. આવો જ એક કિસ્સો ખાડિયા વિસ્તારનો સામે આવ્યો છે. ખાડિયા વિસ્તારમાં નેતાઓ પાણી વગરના હોવાની હૈયાવરાળ સ્થાનિક જાગૃત પ્રજા ઠાલવી રહી હોવાના દ્રશ્યો સામે આવેલ હતા.
ખાડિયા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની નવી પાઇપો નાખવા માટે પોળોમાં આડેધડ કોઈપણ જાતના આયોજન વગર ખાડા ખોદવામાં આવ્યા હોવાથી ખાડિયા વિસ્તારમાં પાણી આવતું બંધ થઈ ગયું હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી અને પાણી પ્રજા સુધી પહોચાડવા માટે લોકોને ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું પરંતુ આવું ક્યાં સુધી ? આનો કોઈ જવાબ તંત્ર પાસે ન હોવાથી તા. ૨૫-૭-૨૫ ના રોજ સ્થાનિક આગેવાનો દ્વારા બેનરો સાથે ખાડિયા વિસ્તારની સમસ્યાને મ્યુનીસિપલ કચેરી, દાણાપીઠ ખાતે ઉજાગર કરી હતી.
મળેલી માહિતી મુજબ ખાડિયા વિસ્તારમાં ગે.કા. કોમર્શિયલ બાધકામોનો રાફડો ફાટ્યો હોવાથી આ ઇમારતના માલિકો દ્વારા ગે.કા. પાણીની અને ગટરોની લાઈનો જવાબદાર તંત્રની મીઠી રહેમ હેઠળ લઈ રહ્યા હોવા છતાં તંત્ર કાયદાનો અમલ કરતું ન હોવાની રજૂઆત કરવામાં આવી.
ખાડિયા વિસ્તારમાં જર્જરિત અને જુના ખંડેર હાલતમાં પડી રહેલ મકાનોમાં સ્વરછતા ના અભાવે અને કચરાની લારીઓ પડી રહેતી હોવાને કારણે ગંદકી થવાથી મચ્છરોનો અસહ્ય ત્રાસ વધી ગયેલ હોવાથી પ્રજાને ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હોવાની રજૂઆત કરવામાં આવી.
ખાડિયા વિસ્તારમાં ઘણા સમયથી ગે. કા. પાણી કનેક્શન, ગે કા. ગટર કનેક્શન, પોલ્યુશન વાળુ પાણી આવવું, ગે. કા. બાધકામો, ગે કા. ટેમ્પાઓની અવર જવર, આડેધડ ટુ વિલર પાર્કિંગ કરવાની સમસ્યા ઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવાથી આ અંગેની રજૂઆત તંત્રમાં અનેક વખત કરવામાં આવી છે પરંતુ કોઈ કાયમી ઉકેલ આવતો ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
ખાડિયા વિસ્તારના જાગૃત નાગરિકોએ મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનર રમ્યકુમાર ભટ્ટને રૂબરૂ મળીને જે જે રજૂઆતો કરી છે તે આ અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેથી જન સમૃદ્ધિ ન્યૂઝના આ અહેવાલને ધ્યાને લઇ મ્યું. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા જવાબદાર અધિકારીઓને વહેલામાં વહેલી તકે ખાડિયા વિસ્તારની પ્રજાને પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવે તેવી લોકોની અને લોકોવતી જન સમૃદ્ધિ ન્યૂઝની માંગ છે.