
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
આજ રોજ માનનીય મેયરશ્રી ની અધ્યશ્રતામાં હીટ એક્શન પ્લાન અન્વયે, શહેરનાં જુદા જુદા ઝોનમાં કામગીરી કરતાં સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, અમદાવાદ મેડિકલ એસોસિએશન, જુદા જુદા ઝોનમાં કામ કરતાં બિલ્ડર્સ, ફુટ માર્કેટ એસોસિએશન, અમદાવાદ ડાયમંડ એસોસિએશન તેમજ અન્ય મળીને કુલ ૧૦૦ થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિ સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ.
આ મીટીંગમાં માન.ડે.મેયરશ્રી જતિનભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, નેતાશ્રી ગૌરાંગભાઈ, હેલ્થ કમિટી ચેરમેનશ્રી, હોસ્પિટલ કમિટી ચેરમેનશ્રી તેમજ કોર્પોરેશન નાં આરોગ્ય અને એસ્ટેટ વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

સદર મીટીંગમાં સૌપ્રથમ નોડલ ઓફિસરશ્રી હીટ એક્શન પ્લાન દ્વારા અમદાવાદ શહેરમાં હીટ વેવની પરિસ્થિતિ, તેમજ હીટવેવ થી આરોગ્ય પર થતી અસરો બાબતે ઉપસ્થિત તમામને અવગત કરેલ હતા, તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એકશન પ્લાન અંતર્ગત થતી જુદી જુદી કામગીરી બાબતે અવગત કરેલ હતા.
ત્યારબાદ માનનીય મેયરશ્રી દ્વારા તેમના ઉદ્બોધન માં સૌ પ્રથમ ઉપસ્થિત રહેલ તમામ સંસ્થાનાં પ્રતિનિધિઓનો આભાર માનેલ હતો, તેમજ જેઓ હાલની ગરમીની ઋતુમાં નગરજનો માટે પાણીની પરબો તૈયાર કરીને સામાજિક રીતે મદદરૂપ થઇ રહયા છે, તેમને બિરદાવ્યા હતા. જે બિલ્ડર્સ દ્વારા તેમના ત્યાં કામ કરતા શ્રમિકો માટે પાણી, છાશ, શેડ વિગેરેની વ્યવસ્થા કરેલ છે, તેમને પણ બિરદાવેલ. તેમજ શહેરનાં તમામ બિલ્ડર્સ પણ આ પ્રકારે તેમનાં કર્મચારીઓ માટે આ વ્યવસ્થા કરે તેમ અપીલ કરેલ હતી, વધુમાં શહેરના તમામ બિલ્ડર્સ આ ઉનાળાની ઋતુ દરમિયાન તેમનાં કર્મચારીઓને વહેલી સવારે તેમજ સાંજે કામગીરી કરાવે તે માટે અપીલ કરેલ. જે સામાજિક સંસ્થાઓ પાણીની પરબો કે અન્ય રીતે ઉનાળાની ઋતુ દરમિયાન નગરજનો માટે વ્યવસ્થા કરવા માંગતા હોય તેમને કોર્પોરેશન દ્વારા પુરતા સહકાર માટે તમામ અધિકારીઓને સુચના આપેલ, વધુમાં સમગ્ર શહેરનાં દરેક વોર્ડમાં ઓછામાં ઓછી ૨૫ જેટલી પાણીની પરબો સામાજિક સંસ્થા/બિલ્ડર્સ ની મદદથી ચાલુ થાય તે માટે અધિકારીઓને જણાવેલ. જે સામાજિક સંસ્થાઓને ઓ.આર.એસ નાં પેકેટસની જરૂરીયાત હોય તે પણ UHC ખાતે થી વિના મુલ્યે પુરા પાડવામાં આવશે તેમ પણ તેમણે જણાવેલ. માનનીય મેયરશ્રી દ્વારા તમામ સામાજિક સંસ્થાઓને અબોલ પશુ પક્ષીઓ માટે પણ તેમની કક્ષાએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અપીલ કરેલ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એકશન પ્લાન અંતગત નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
- શહેરના તમામ UHC, CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરુ કરવામાં આવેલ છે.
- દરેક ઝોનમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
- સામાજીક સંસ્થાઓ/બિલ્ડર્સ દ્વારા શહેરમાં ૬૦૦થી વધુ પાણીની પરબો શરુ કરવામાં આવેલ છે.
- શારદાબેન હોસ્પિટલ, એસ.વી.પી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ,વી.એસ હોસ્પિટલોમાં તેમજ CHC માં હીટ રિલેટેડ ઈલનેસનાં દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- ટ્રાફિક પોલિસની સાથે સંકલન કરી ૭૦ જેટલા ટ્રાફિક જંકશનો બપોરના સમયે બંધ કરવામાં આવેલ છે.
- તમામ આંગણવાડીઓ પર ઓ.આર.એસ. પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- તમામ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ અને એ.એમ.ટી.એસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવેલ છે.
- મ્યુ.કોર્પોરેશન સંચાલિત શાળાના સમયમાં ફેરફાર કરેલ છે, તેમજ શાળામાં દર દોઢ કલાકે વોટર બેલની વ્યવસ્થા ગોઠવેલ છે.
- અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા
- શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહી નું સેવન કરવું,
- લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં,
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો,
- નાના બાળકો – વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
- અતિશય ગરમીનાં લીધે લુ (હીટ સ્ટ્રોક) લાગવાના લક્ષણો નીચે મુજબ છે.
- ગરમીની અળાઈઓ.
- ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી,
- માથાનો દુઃખાવો, ચક્કર આવવા,
- ચામડી લાલ – સૂકી અને ગરમ થઈ જવી,
- સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી,
- ઉબકા અને ઉલ્ટી થવી,
જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવી. ઈમરજન્સીમાં ૧૦૮ નો સંપર્ક સાધવો.