

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૨૪-૦૪-૨૦૨૪
અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવરની એજન્સીઓ દ્વારા ઠેર ઠેર ખાડાઓ ખોદી કેબલ નાખવાની કામગીરી કરતા હોય છે. આ કેબલ નાખતી વખતે જે જગ્યાએ ખાડો ખોદવાનો હોય, તે જગ્યાએ ખાડો ખોદતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવાની હોય છે. આ મંજૂરી મેળવ્યા પછી જ ત્યાં ખાડો ખોદી કામગીરી કરવાની હોય છે અને કામગીરી પૂર્ણ થયા પછી તે ખાડાને વોટરિંગ કરી ત્યાં રોડ તથા ગલી હોય તો નિભાડા પથ્થર નાખી તે જગ્યાને રીઇન્સેન્ટમેન્ટ કરવાની હોય છે.
પરંતુ ખાડિયા વોર્ડમાં ટોરેન્ટ પાવરની એજન્સી દ્વારા ખાડો ખોદી, કામગીરી પૂર્ણ કર્યા પછી તે જગ્યાને રીઇન્સર્ટમેન્ટ કરેલ ન હોવાથી ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ સીટી ઇજનેર દ્વારા ટોરેન્ટ પાવરના જનરલ મેનેજરને પત્ર દ્વારા ચાર લાખ અને બે લાખ પેનલ્ટી વસૂલ કરવા બાબતે પત્ર પાઠવેલ હતો અને તે પત્રમાં જણાવેલ કે દિન-૩માં જવાબ આપવો… જો જવાબ નહીં આપો તો આ પેનલ્ટી વસૂલ કરવામાં આવશે તેવું જણાવેલ હતું.
જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ સીટી ઇજનેર દ્વારા આ ચાર લાખ અને બે લાખની પેનલ્ટી વાળા પત્રોને અભરાઈએ ચડાવી દઈ, કોર્પોરેશનની તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડી રહ્યા છે. તેથી આ બાબતની ખરાઈ કરવા માટે જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ તારીખ ૨૪-૪-૨૪ ના રોજ ખાડિયા વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ મુલાકાત લઈ આ અંગેની રજૂઆત આસિસ્ટન્ટ સીટી ઇજનેરને કરેલ.
આસિસ્ટન્ટ સીટી ઇજનેરે જણાવેલ કે ટોરેન્ટ પાવર દ્વારા આ પત્ર બાબતે કોઈ જવાબ આપેલ નથી કે કોઈપણ જાતનો લેખિતમાં ખુલાસો કરેલ નથી ! તેમજ પત્રમાં જણાવેલ દિન-૩ પછી પણ કોઈપણ જાતનો જવાબ મળેલ નથી. તેમ છતાં જવાબદાર અધિકારી દ્વારા ઉચ્ચ અધિકારીની મંજુરી મેળવી પેનલ્ટી વસૂલ કરવા બાબતે કોઈ જાણ કે પત્ર વ્યવહાર કરેલ નથી ? તેવી ચોકાવનારી હકીકત જાણવા મળેલ છે.
ત્યારે સવાલ એ થાય છે કે મધ્ય ઝોનમાં ટોરેન્ટ પાવરની એજન્સીઓને વોર્ડના આસી. સિટી. ઇજનેર દ્વારા પેનલ્ટી વસૂલ કરવાના કેટલા પત્રો પાઠવવામાં આવ્યા છે ? તે પત્રો પાઠવ્યા પછી ટોરેન્ટ પાવર દ્વારા કેટલા પત્રોનો જવાબ કે ખુલાસાઓ કર્યા છે ? સમય મર્યાદામાં જવાબ કે પુરાવા રજૂ ના કર્યા હોય તેવા પેનલ્ટી વસૂલ કરવાના કેટલા પત્રો ધૂળ ખાય છે ? આવા તમામ પત્રોની માહિતી મધ્ય ઝોનના એડિશનલ સીટી ઇજનેર દ્વારા કડક હાથે તપાસ હાથ ધરવામાં આવે તો કોર્પોરેશનને કરોડો રૂપિયાની બાકી નીકળતી રકમ મળી આવે તો નવાઈ નહીં ?
ખેર હવે એ જોવાનું રહ્યું કે મધ્યઝોનના એડિશનલ સીટી ઇજનેર દ્વારા મધ્ય ઝોનના તમામ વોર્ડના આસિસ્ટન્ટ સીટી ઇજનેરો પાસેથી આ પેનલ્ટી વસૂલ કરવા બાબતના પત્રો સામે ક્યારે અને કેવા પ્રકારની તપાસ હાથ ધરે છે તે જોવું રહ્યું..?
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોનના તમામ વોર્ડાંના આસિસ્ટન્ટ સીટી ઇજનેરોની મુલાકાત લઈ… ટોરેન્ટ પાવરની એજન્સીઓ પાસે પેનલ્ટી વસૂલ કરવા બાબતના કેટલા પત્રો પાઠવેલ છે તેની ? અને કેટલી રકમ વસૂલ કરવાની થાય છે ?તેની જાણકારી મેળવી તેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ..