
અમદાવાદ.,
અમદાવાદ મહાનગર પાલિકાની મધ્યસ્થ કચેરીએથી લઈને તમામ ઝોનોમાં ભ્રષ્ટાચાર અને માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. ગેરકાયદે નળ કનેક્શન, ટ્રેનેજ કનેક્શન, વેરા કૌભાંડ, હાજરી કૌભાંડ હોય કે પછી ગેરકાયદે બાંધકામને છાવરવાનું કૌભાંડ હોય દરેકમાં પાલિકાના અધિકારીઓ પાવરધા બની ગયા છે. માત્ર રૂપિયા ખાતર અધિકારીઓ પોતાની ફરજ ભૂલી ભ્રષ્ટાચાર આચરે છે. પાલિકાનું એક પણ ઝોન એવું નહી હોય કે અધિકારીઓ ભ્રષ્ટાચાર નહીં આચરતાં હોય ! જો કે આ બધામાં મધ્યઝોન ભ્રષ્ટાચાર મામલે વધુ પડતો આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ! મધ્ય ઝોનના એસ્ટર વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે કાયદાને પણ નેવ મૂકી દે છે..!
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જુના કોટ તેમજ ગામતળ વિસ્તારમાં એકબીજાથી સહીયારી ભીંત થી જોડાયેલા હયાત બાંધકામોમાં મરામત તેમજ સુધારા વધારા કરવા માટેના ખાસ નિયમો અને શરતો બનાવેલા છે જેમાં હયાત બાંધકામની જૂની દીવાલ લાકડાના વર્ટિકલ કોલમની જગ્યાએ લોખંડના વર્ટિકલ કોલમ અથવા પાર્ટ દિવાલ પાર્ટ લોખંડના વર્ટિકલ કોલમ પર મથાડે ટીગડર પર પથ્થર રાખી રેતી સિમેન્ટ કપચીનું ફ્લોરિંગ કરવા વહીવટી ચાર્જ વસૂલ લઈ અમુક શરતોને આધીન મંજૂરી આપવાની કાયદાકીય જોગવાઈ નક્કી કરેલ છે.
આ શરતોમાં સ્પષ્ટ જણાવેલ છે કે હયાત બાંધકામના ઉપયોગમાં ફેરફાર કરી શકાશે નહીં… હયાત બાંધકામના ક્ષેત્રફળમાં વધારો કરી શકાશે નહીં… હયાત બાંધકામમાં કોઈપણ બિન મંજૂરી પાત્ર ફેરફાર કરી શકાશે નહીં… કુલ હયાત ઊંચાઈમાં વધારો કરી શકાશે નહીં… કુલ માળમાં વધારો કરી શકાય નહીં.. તેવું સ્પષ્ટ મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ છે.
ખાડિયા-૧ વોર્ડમાં ફતાશા પોળની સામે, જૈન દેરાસરની બાજુમાં ગાંધી રોડ ખાતે હાલમાં રીપેરીંગની મંજૂરી મેળવી કામગીરી ચાલુ છે. તે કામગીરીમાં મ્યુનિસિપલ કમિશનરે મરામત તેમજ સુધારા વધારા કરવા માટેના નિયમો અને શરતો બનાવેલા છે તેનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવા બાબતે જાગૃત નાગરિકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવેલ છે. તેમજ અનેક અહેવાલો પણ પ્રસિદ્ધ થયેલા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ કરવામાં આવતો ન હોવાનું ધ્યાને આવેલ છે.
ખાડીયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે પ્લાન મંજૂર કરાવેલ છે ! તેમાં હું કશું કરી ન શકું.. મારી પાસે ફાઈલ પણ નથી.. ફાઈલ મંગાવી… હું ચેક કરી.. તપાસ કરવા જઈશ.. આવા ગેર વ્યાજબી જવાબો આપી પોતાની ફરજમાંથી છટકવાના પ્રયાસો કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કહેવાય છે કે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બધું જ જાણે છે ! પરંતુ નિયમો અને શરતોનો ભંગ કરનાર સાથેના સેટિંગને ધ્યાનમાં રાખી… ઈરાદાપૂર્વક કાયદાનો અમલ ના કરવા પાછળ માત્રને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું જ ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
હવે એ જોવાનું રહ્યું કે જો ઉચ્ચ અધિકારીઓમાં જરાય પણ શરમ જેવું હોય તો તાકીદે આ કાર્યરત બાંધકામોમાં તપાસના આદેશ આપી. જો તેમાં ગેરરીતી જણાઈ આવે તો તાકીદે તેને અટકાવવાના આદેશ આપવા વિનંતી… સાથે સાથે એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવેલ છે તેઓ વિરુદ્ધ વિજિલન્સ તેમજ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપવામાં આવે.. તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.