
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૪-૨૫ ના ડ્રાફ્ટ બજેટમાં પૂર્વ ઝોનમાં ૧૦૦ કરોડ, મધ્ય ઝોનમાં ૫૭.૩૧ કરોડ, ઉત્તર ઝોનમાં ૮૫.૪૬ કરોડ, દક્ષિણ ઝોનમાં ૯૮.૬૬ કરોડ કુલ ૩૪૧.૪૩ કરોડ ના બજેટની ફાળવણી કરાઈ છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરેલ બજેટમાં રોડ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓનું વધારે મહત્વ આપેલ છે સાથે સાથે સીટી ટ્રાફિક માસ્ટર પ્લાન, એઆઈ બેઝડ સ્માર્ટ પાર્કિંગ, આઇકોનિક રોડ, સિંધુભવન રોડ પર સિટી સ્ક્વેર, દરેક વોર્ડમાં શાકમાર્કેટ, પ્લેગ્રાઉન્ડ દરેક ઝોનોમાં ફૂડ કોર્ટની જોગવાઈ અને પ્રોપર્ટી ટેક્સમાં લેટિંગ રેટ મુજબ બે ટકાનો વધારો કરવાનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત સરખેજ, કાંકરિયા, દરિયાપુર, શાહપુર, મણિનગર, ઇસનપુર, ઘોડાસર સહિતના 11 અર્બન હેલ્થ સેન્ટર નવીનીકરણ કરાશે. છેવાડાના વિસ્તાર સુધી કનેક્ટિવિટી માટે પાંચ જેટલા એરીયા કલસ્ટરમાં 300 જેટલી ઈ-રીક્ષા ચલાવાશે. આ ઉપરાંત ૧૦૦ જેટલી ઇલેક્ટ્રીક બસો પણ ઓપરેટ કરાશે. ફરિયાદ નિવારવા માટે એઆઈ નો અસરકારક ઉપયોગ કઈ રીતે કરી શકાય તે માટે એઆઈ પોલીસી તૈયાર કરાશે, નાગરિકોની ફરિયાદ નિવારવા માટે પણ સીસીઆરએસ સોફ્ટવેરને નવી ટેકનોલોજીના ઉપયોગથી અધતન બનાવાશે. વિકસિત ભારત ૨૦૪૭ અન્વયે અમૃત કાર્ડ મેમોરીયલ પાર્ક બનાવાશે, આ ઉપરાંત ટાઉન પ્લાનીગ, સીટી પ્લાનિંગ અને એસ્ટેટ ઓફિસ એક જ સ્થળે હોય તે માટે અર્બન હાઉસ બનાવાશે. જમાલપુર ની વેજીટેબલ માર્કેટને સિટી માર્કેટ પ્લેસ તરીકે ડેવલપ કરાશે. દરેક વોર્ડમાં એક એમ કુલ ૪૮ પ્લેગ્રાઉન્ડ ૫૦ કરોડના ખર્ચે બનાવાશે સાથે ૭ મિનિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ તૈયાર કરાશે. દરેક વોર્ડમાં ૧ એમ કુલ ૧૦૦ ડસ્ટ ફ્રી રોડનું પણ આયોજન હાથ ધરાયું છે. મહિલાઓ આત્મ નિર્ભર બને તે માટે ૩૦૦ ઈ રીક્ષા અપાશે.. ઉપરાંત મહિલાઓ માટે જીમનેસિયમ બનાવવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મધ્ય ઝોનને ઘણા વર્ષોથી ઓછું બજેટ ફાળવવામાં આવે છે તેમ આ વર્ષે પણ મધ્ય ઝોનને ફક્ત ૫૭.૩૧ કરોડ નું બજેટ ફાળવેલ છે. મધ્ય ઝોનમાં ઓછું બજેટ ફાળવી જે વિકાસ કાર્યો થવા જોઈએ તે વિકાસ કર્યો થતા ન હોવાથી, મધ્ય ઝોન વિસ્તારની જાગૃત પ્રજા નિરાશા અનુભવી રહી હોવાનું જાણવા મળેલ છે. કહેવાય છે કે મધ્ય ઝોનમાં જે બજેટ ફાળવવામાં આવેલ છે તે બજેટ વાપરવા અંગેનું નક્કર આયોજન હાથ ધરાય, કામ કરવાની પ્રતિબધતા જળવાય, અને બનાવેલ પોલીસીનો યોગ્ય અમલ થાય અને જે વિકાસ કાર્યો કરવાના છે તે કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવું જાગૃત પ્રજા ઈચ્છી રહી છે.
