Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

વર્ષ 2023 ના કાંકરિયા કાર્નિવલના આયોજન માટે અમ. મ્યુ. કોર્પો. ખાતે પત્રકાર પરિષદ યોજાઇ…

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2023 ના કાંકરિયા કાર્નિવલના આયોજન માટે આજરોજ તારીખ ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી દાણાપીઠ ખાતે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરાયું હતું.

આ પરિષદમાં મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, નેતા શાસક પક્ષ ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલબેન ડાઘા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખરસાણ સાહેબ તથા સૌ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2023 માં “વસુધૈવ કુટુંબકમ – એક ધરતી – એક પરિવાર – એક ભવિષ્ય” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, હેરિટેજ ગરબા, રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા, આસામના બિહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ સાથે સાથે કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણદેવ યાદવ, મીરાંદે શાહ, બંકીમ પાઠક, શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામલીયા, રવિન્દ્ર જ્હોની જેવા વિખ્યાત કલાકારો દ્વારા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

વધુમાં કાંકરિયા ખાતે ચંદ્રયાન-૩ અને ધનુષ્ય થીમ આધારિત પ્રવેશદ્વાર તેમજ “મારું શહેર – મારું ગૌરવ” થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવશે તેમજ મુખ્યમંત્રીના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલ અંદાજિત 154 કરોડથી પણ વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તો કરશે તે બાબતે માહિતગાર કર્યા હતા.

વધુમાં આ પરિષદમાં પત્રકારો દ્વારા પ્રશ્નોત્તરી કરી વિશેષ જાણકારી મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો આ પ્રશ્નોમાં કાંકરિયા કાર્નિવલનો કેટલો ખર્ચ થશે ? નાગરિકોનો વીમો લેવામાં આવ્યો છે કે કેમ ? હાલમાં જે કોરોના બાબતે સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાત સરકારે કાર્નિવલમાં થતી ભીડની સેફટી માટે ગાઈડલાઈન નક્કી કરી છે કે કેમ ? કાર્નિવલમાં થતી ભીડને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોનાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે ? આવા તમામ પ્રશ્નો જાગૃત પત્રકારો દ્વારા કરવામાં આવ્યા હતા.

ત્યારે હવે એ જોવાનું કે કાંકરિયા કાર્નિવલ 2023 ના ભવ્ય આયોજનમાં કોરોનાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કેવા પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવે છે ? તે જાગૃત પત્રકારોમાં ચર્ચાનો વિષય બનવા પામેલ !


વર્ષ 2023 ના કાંકરિયા કાર્નિવલના આયોજન માટે અમ. મ્યુ. કોર્પો. ખાતે પત્રકાર પરિષદ યોજાઇ…