Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમ. મ્યું. કોર્પો. માં છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ કરવા પાછળ કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરવા છતાં શ્વાન કરડવાનો ત્રાસ યથાવત..!

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

તા. ૨૩-૧૦-૨૦૨૩

અમદાવાદ મ્યુનિ.કોર્પોમાં સત્તાધારી ભા.જ.પની લાપરવાહીને કારણે અમદાવાદ શહેરમાં શ્વાનનો વધતો ત્રાસ

અમદાવાદ શહેરમાં હાલ કુલ શ્વાન ૩,૭૫,૦૦૦, છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ કરવા પાછળ કરેલ કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ, તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના કુલ ૧,૬૩,૬૪૩ કેસો આનું નામ વિકાસ ?

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન શ્વાનનો ત્રાસ વધતો જાય છે. જુન-૨૦૧૯માં હયુમન સોસાયટી દ્વારા કરાયેલ સર્વે મુજબ તે સમયે અમદાવાદ શહેરમાં આશરે શ્વાનની સંખ્યા ૨,૨૦,૦૦૦ હતી આજે અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૩,૭૫,૦૦૦ જેટલી થઇ જવા પામેલ છે મ્યુ.કોર્પો દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટેનો આપેલ કોન્ટ્રાક્ટ મુજબ શ્વાનને પકડી તેનું ખસીકરણ કરી અન્ય જગ્યાએ છોડી મુકવાના હાલ પ્રતિ શ્વાન દીઠ રૂા.૯૭૬.૫૦ ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા સને ૨૦૨૦-૨૧ માં ૨.૩૦ કરોડ, સને ૨૦૨૧-૨૨ માં ૨.૫૬ કરોડ અને સને ૨૦૨૨-૨૩ માં ૪.૫૦ કરોડ મળી કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરેલ છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત બનતા રહયાં છે. હાલ મ્યુનિ.કોર્પોની મુખ્ય કચેરીમાં જ્યાં મ્યુ. કમિશ્નરશ્રી તથા મેયરશ્રી બિરાજે છે તે સી વિંગ્સની નીચે પણ મોટા પ્રમાણમાં શ્વાનનો ત્રાસ છે. થોડા વર્ષો પહેલાં બહેરામપુરા વોર્ડમાં આવેલ ખોડિયારનગર ચાર રસ્તા થી સુએજ ફાર્મ જતા રસ્તા ઉપર ૩૪ થી વધારે શ્વાનની લાશો રસ્તા ઉપર રઝળતી હતી. ત્યારબાદ સરખેજ વોર્ડના ફતેહવાડી વિસ્તારમાં ૧૧ વર્ષની નાની ઉંમરના બાળકને એક સાથે અનેક શ્વાનોએ તેના શરીરે અનેક જગ્યાએ બચકા ભરીને લોહીલુહાણ કરેલ હતો. આમ વિવિધ ગંભીર બનાવો શ્વાનના ત્રાસને કારણે અમદાવાદ શહેરમાં બનવા પામેલ હતાં. હાલની પરિસ્થિતિએ સત્તાધારી ભાજપના રાજમાં કમનસીબે લોકોને રોડ-૨સ્તા, વરસાદી પાણી, રોગચાળો જેવી બાબતોએ સાવચેત રહેવું જ પડે છે. જેમાં વધારો થતાં હવે શ્વાનના ત્રાસ બાબતે પણ નગરજનોને સાવચેત રહેવાની ફરજ પડેલ છે, તેમ છતાં હાલ રોજના શ્વાન કરડવાના આશરે ૨૦૦ જેટલા કેસો બનવા પામે છે. શ્વાન કરડવાના સને ૨૦૨૦ માં ૫૨૩૧૮ કેસો, છેલ્લા ત્રણ વર્ષમાં સને ૨૦૨૧ માં ૫૧૮૧૨ કેસો સને ૨૦૨૨ માં ૫૯૫૧૩ કેસો મળી કુલ ૧,૬૩,૬૪૩ કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાવા પામેલ છે. આ સાથે વાંદરા, બિલાડી તથા અન્ય પ્રાણી કરડવાના કેસો અલગ !

આ બાબતે વારંવાર મ્યુ,બોર્ડમાં તેમજ સ્ટે.કમિટીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવેલ હોવા છતાં આજદિન સુધી તે સમસ્યાનો ઉકેલ તંત્ર શોધી શકેલ નથી કે સમસ્યાના નિરાકરણ માટે કોઇ પગલાં લેવામાં આવેલ નથી જેથી સમગ્ર અમદાવાદ શહેરને શ્વાનોએ બાનમાં લીધું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે.આ સમસ્યા આખા અમદાવાદ શહેરમાં છે.

જેને કારણે રાત્રિના સમયે આવનજાવન કરતા નાગરિકો તેનો ભોગ બની રહયાં છે આ સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદે કાર્યવાહી કરવી જોઇએ અને નાગરિકો જલ્દીથી શ્વાનના ત્રાસમાંથી મુક્ત કરવા જે કંઇ પણ કામગીરી કરવી પડે તે તાકીદે કરવી જોઇએ.આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ ઠરાવો કરવા છતાં તે બાબતે કોઇ ઠોસ નક્કર કામગીરી થવા પામેલ નથી. આમને આમ પરિસ્થિતિ રહી તો એક વર્ષમાં અમદાવાદ શહેરમાં શ્વાનની સંખ્યા ૪,૦૦,૦૦૦ જેટલી થઇ જવા પામે તો નવાઇ નહી, ત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ મ્યુ.કોર્પો.ના કાબુ બહાર હશે જેથી શ્વાનનો ત્રાસ ! રાત્રીના સમયે કે સુમસામ રોડ પર બહાર નીકળતાં પ્રજા ગભરાય છે શ્વાન રાત્રીના સમયે વાહનચાલકોની પાછળ પડે છે જેથી પ્રજા શ્વાનના ત્રાસથી ત્રાહીમામ પોકારી ગઇ છે. હાલમાં પ્રજા ત્રાસદાયક સ્થિતિમાં હોય તેવું અનુભવી રહી છે.જેને કારણે પ્રજાએ જાતે કાયદો હાથમાં લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.ત્યારે મ્યુની. તંત્ર છેલ્લા કેટલાય વર્ષથી મુકપ્રેક્ષકની અદામાં હોય જે મ્યુની કોર્પોરેશન માટે શરમજનક બાબત છે.આ સમસ્યાના નિવારણ માટે તાકીદે નક્કર ઉકેલ લાવવો જોઇએ.

ઉપરોક્ત બાબતથી વિદિત થઇ શ્વાન કરડવાની સમસ્યા મ્યુ.કોર્પોના કાબુ બહાર જતી રહે તે પહેલાં અમદાવાદ શહેરના નગરજનોના હિતમાં અમદાવાદ શહેરની પ્રજાને શ્વાનના ત્રાસમાંથી મુક્ત કરવા યુધ્ધના ધોરણે જે કંઇ પણ કામગીરી કરવી પડે તે તમામ કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


અમ. મ્યું. કોર્પો. માં છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ કરવા પાછળ કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરવા છતાં શ્વાન કરડવાનો ત્રાસ યથાવત..!