Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનાં યુવાનો, કામદારો, શ્રમિકોને ડબલ અન્યાય અને ડબલ શોષણ : અમિત ચાવડા

તા. ૦૬-૦૬-૨૦૨૩ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

આજરોજ વિધાનસભા ગાંધીનગર ખાતે થયેલી પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને શ્રી અશોક પંજાબી અસંગઠીત કામદાર વિભાગ પ્રમુખ ઉપસ્થિત રહયા હતા. શ્રી અમિતભાઈ ચાવડા એ જણાવ્યુ હતું. કે, અમદાવાદ અને ગાંધીનગર જ્યાં ભાજપ સરકારના ઘણા મંત્રીઓ રહે છે અને તેમનું મુખ્ય કાર્યાલય આવેલું છે, સાથેસાથે સુરત વિસ્તાર જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખનું કાર્યક્ષેત્ર છે તેવા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરનારી સંસ્થાઓમાં ઓ.એન.જી.સી., ગેઇલ ઈન્ડિયા, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લી., એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લી., સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લી., સેંટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન, સુઝુકી મોટર ગુજરાત પ્રા.લી., ટાટા મોટર્સ લી., જેવા કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો અને ખાનગી એકમો સામેલ છે.

પ્રજાના ટેક્ષના કરોડો રૂપિયા, મફતના ભાવે આપેલી જમીન, વીજળી, પાણી અને રસ્તા જેવી સવલતો આપવા છતાં સ્થાનિક રોજગારીનો અમલ થતો નથી. અને યુવાનોને સતત અન્યાય થઈ રહ્યો છે.

લઘુતમ વેતનમાં વધારાની જાહેરાત કર્યા પછી શું સરકાર તેનો અમલ થાય છે કે કેમ તેનું કોઈ મોનિટરિંગ કરે છે કે નહીં? કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર મળે છે કે કેમ તેનું કોઈ ચેકિંગ થાય છે?

સચિવાલયના લિફ્ટમેનને મહિને ફક્ત ૭૦૦૦ રૂપિયા પગાર મળે છે તે દર્શાવે છે કે લઘુતમ વેતન ધારાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે યુવાનોનું શોષણ કરવામાં સરકારના માનીતા કોન્ટ્રાકટરો સામેલ છે. જી.આઈ.ડી.સી. માં ૮ કલાકને બદલે ૧૨ કલાક કામ કરાવીને કામદારો અને શ્રમિકોને મોટો અન્યાય કરવામાં આવે છે.

ગુજરાત રાજયમાં પ્રાઈવેટ સેક્ટર, સરકારી સંસ્થા, અર્ધસરકારી સંસ્થામાં ફેક્ટરી એક્ટ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ અઠવાડિક ૪૮ કલાકથી વધારે કામગીરી કરાવવી પ્રોહિબિટેડ છે.
જો કર્મચારીઓ પાસે ૪૮ કલાક કરતાં વધારે કામગીરી કરાવવામાં આવે તો તેમને દરેક કલાકના ડબલ રેટથી પગાર ચૂકવવાનો થાય છે જેને પ્રાઈવેટ સેક્ટર અને સરકારી સંસ્થાઓ અનુસરતી નથી. મોંઘવારીમા ઘર કેમ ચલાવવું, બાળકો કેમ ભણાવવા તે ખૂબ મોટો પ્રશ્ન છે. હક્ક રજા, સિક લીવ, પ્રોફેશનલ ટેક્ષ, પી.એફ., ઇ.એસ.આઈ., બધા ભથ્થા, અકસ્માત સામે વળતર નિયમો મુજબ ચૂકવાતા નથી.

કાયદા કાનૂનનો કોઈ ડર રહ્યો નથી અને સરકારનો આવા કોઈ એકમો ઉપર અંકુશ નથી. ૧૫૬ ધારાસભ્યોની આ સરકાર, એમાં કામ કરતાં અધિકારીઓ, આ તમામને પ્રજાના ટેક્ષના પૈસે પગાર ચૂકવવામાં આવે છે તે છતાં યુવાનોને હમેશા છેતરવામાં આવે છે. બધા જ કાયદાઓને ઘોળીને પી જનાર આઉટસોર્સિંગ એજન્સીઓ કંપનીઓ સામે સરકાર કેમ ચૂપ છે?

સરકારી અર્ધસરકારી સાહસો, ખાનગી એક્મો, જી.આઈ.ડી.સી.માં આવેલી ફેક્ટરીઓ, આ તમામ જગ્યાએ યુવાનોને લઘુતમ વેતન ધારા મુજબ પગાર ન મળતો હોય અને ૮૫% સ્થાનિક રોજગારી કાયદાનો અમલ ન થતો હોય તો “જનમંચ” કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સુધી આપના પ્રશ્નો પહોંચાડો. અમે આપના પ્રશ્નોને લઈને સરકાર સુધી રજૂઆત કરીશું અને જરૂર પડે જન આંદોલન પણ કરીશું એવું માનનીય શ્રી અમિત ચાવડાએ જણાવ્યુ હતું.

https://youtube.com/@JanmanchIND


ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનાં યુવાનો, કામદારો, શ્રમિકોને ડબલ અન્યાય અને ડબલ શોષણ : અમિત ચાવડા