જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ..
અમદાવાદ શહેરમાં જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે “ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસેન્સ” અભિયાન અમલમાં મૂકાયું છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળોએ ભારે અવરજવર રહેતી હોવાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ, શહેર પોલીસ અને એસ.આર.પી તેમજ સબઝોન કચેરીના વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા ‘નો કેટલ ઝોન’ના જાહેરનામાઓનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.
નામદાર સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના નિર્દેશો અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ રખડતા પશુ નિયંત્રણ પોલિસી–2023ના અનુસંધાને શહેરમાં રખડતા પશુઓને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગે વિશેષ ટીમો તહેનાત કરી છે. આ ટીમો દ્વારા ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓ પકડીને કેટલ પાઉન્ડમાં પૂરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇવે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. લાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને કેટલ પાઉન્ડમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ‘ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ’ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં સી.એન.સી.ડી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો અમલ સ્ટેડિયમ, મોટેરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, એરપોર્ટ, સોલા, ઘાટલોડિયા, મણિનગર, કાંકરીયા, ખાડીયા અને સારંગપુર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે.
શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડ, મધ્ય ઝોનના ખાડીયા વોર્ડ, દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડ અને કાંકરીયા તથા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડ, સ્ટેડિયમ, પાલડી વોર્ડ, નવાવાડજ વોર્ડ, નારણપુરા વોર્ડ, ચાંદખેડા વોર્ડ, મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આમ, અમદાવાદ શહેરને જાહેર સુરક્ષા અંગે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે “ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસેન્સ” અભિયાન આગામી સમયમાં વધુ સઘન બનાવવામાં આવશે. શહેરને રખડતા પશુત્રાસથી મુક્ત રાખવા માટે કોર્પોરેશન, પોલીસ અને એસ.આર.પી.ની સંયુક્ત કાર્યવાહી સતત ચાલુ રહેશે.
