અમદાવાદ મહાનગર પાલિકામાં લારીવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ..

અમદાવાદ મહાનગર પાલિકામાં જાહેર રોડ પરના લારી રૂપી દબાણો દૂર કરવા માટે અધિકારીઓ બેવડી નીતિ અપનાવતા હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે.
અમદાવાદમાં જાહેર રોડ ઉપર ઉભી રખાતી લારીઓ દૂર નહીં કરવા બાબતે વોર્ડના દબાણના મજૂરો દ્વારા એક લારી દીઠ ૩૦૦થી ૫૦૦ રૂપિયાનો હપ્તો લઈ આ તમામ રકમ ઉઘરાવી, ઝોનમાં નીમેલ વહીવટદારને આપે છે અને ઝોનનો વહીવટદાર લાગતા વળગતા અધિકારીઓને પહોંચાડતા હોવાથી જાહેર રોડ પરના લારી રૂપી દબાણો કાયમી ધોરણે દૂર કરતા ન હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને ચોંકાવનારી માહિતી મળેલ છે.
મધ્યમ વર્ગ પોતાનું પેટ ભરવા માટે લારીમાં નાનો-મોટો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન આ કોરોના કાળમાં મહામુસીબતે ચલાવી રહ્યા છે ત્યારે દબાણના મજૂરો દ્વારા ગેરકાયદેસર પૈસા ઉઘરાવી માલામાલ થતા નજરે પડે છે.
લારીઓના માલિક દ્વારા જો હપ્તો ના આપવામાં આવે તો તેઓની લારી યેનકેન પ્રકારે દબાણ ની ગાડીમાં ઉપાડી લેવાની ધમકી આપવામાં આવે છે અને કાયદાનો ડર બતાવીને ગેરકાયદે હપ્તા વસૂલવામાં આવતા હોવાનું જાણવા મળેલ છે.
અમદાવાદ શહેરમાં લારીઓ વાળા પાસે ઉઘરાવવામાં આવતા હપ્તા બંધ કરાવી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ઝોનમાં કયા કયા મજૂરો ગેર કાયદે હપ્તા વસૂલી રહ્યા છે તેઓની નામાવલી સાથે વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…..