Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

વર્ષ 2023 માં ગણેશકુંડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાથી, વિજિલન્સ તપાસ કરાવ્યા પછી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોનને કરેલ ફરિયાદની આરટીઆઇ નો જવાબ આપવામા ઠાગાઠૈયા કરતા જવાબદાર અધિકારીઓ !

જન સમૃદ્ધિ ન્યૂઝ
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.
તા. ૧૭-૦૧-૨૦૨૪

નિયમ મુજબ જે કામો કરવાના હોય તે કામોને દરખાસ્ત ની મંજૂરી માટે પ્રવર્તમાન એસ.ઓ.આર. મુજબ નકશા-અંદાજો તૈયાર કરી. સક્ષમ સત્તાધિકારીની તાંત્રિક મંજૂરી મેળવવાની હોય છે.

પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના ભ્રષ્ટ શાસનમાં જવાબદાર અધિકારીઓ મન ફાવે તેવા અને નકશા બનાવ્યા વિના અંદાજો નક્કી કરે છે ! અને કોન્ટ્રાક્ટરો 68% ના લેસથી કામગીરી કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સારી રીતે સમજે છે કે આ 68% ના ઓછા ભાવથી કોન્ટ્રાક્ટરો કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છે ? તેમ છતાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાથ પર હાથ ધરીને બેસી રહે તો સમજવું શું ?

અમદાવાદ શહેરમાં ગણેશકુંડો બનાવવાની કામગીરીમાં ગેરરીતી આચરી કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોવાનો પડદાફાસ જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોનને ગણેશકુંડ બનાવવાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાથી વિજિલન્સ તપાસ કરાવ્યા પછી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવાના આદેશ કરવા બાબતે તારીખ 29-9-2023 ના રોજ ફરિયાદ કરેલ હતી. તે ફરિયાદ પછી શું કાર્યવાહી કરવામાં આવી ! અને ઉચ્ચ અધિકારી દ્વારા કઈ કઈ નોંધો કરવામાં આવી ! તે નોંધોની નકલ માગવામાં આવેલ હતી.

આરટીઆઈ ની આ અરજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસમાં તારીખ 6-12-23 ના રોજ કરેલ હતી. જે અરજી તારીખ 12-12-23 ના રોજ આસિસ્ટન્ટ મેનેજર વહીવટ મધ્ય ઝોનને તબદીલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તારીખ 16-12-23 ના રોજ મધ્ય ઝોન ઇજનેર વિભાગમાં તબદીલ કરવામાં આવેલ અને મધ્ય ઝોનના ડેપ્યુટી સીટી એન્જિનિયર દ્વારા આસિસ્ટન્ટ સીટી ઇજનેર જમાલપુર, શાહીબાગ અને શાહપુર વોર્ડમાં તારીખ 11-1-24 ના રોજ તબદીલ કરવામાં આવેલ.

ઇજનેર વિભાગ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારને છુપાવવા માટે નિયમો વિરુદ્ધ અરજીઓ તબદીલ કરી, અરજદારને ગોળ ગોળ જવાબો આપી, ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ રૂપે જાણ પણ કરવામાં આવે છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ ઉપર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાને કારણે કોન્ટ્રાક્ટરો સાથે મેળાપીપણામાં રહી, પ્રજાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

આ અહેવાલ એટલા માટે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોનને ફરિયાદ કર્યા પછી જવાબદાર અધિકારીઓ દ્વારા કેવા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે બાબતે સત્ય જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પરંતુ અહીંયા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કરેલ ફરિયાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપવાની જગ્યાએ મધ્ય ઝોન ઇજનેર વિભાગ વોર્ડના આસિસ્ટન્ટ સીટી ઇજનેરને આ ફરિયાદનો જવાબ આપવા માટે તબદીલ કરે છે તે કેટલી શરમજનક કામગીરી કરી રહ્યા છે તેવો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.

માટે આ અહેવાલ પ્રસિદ્ધ થયા પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોન દ્વારા ગણેશ કુંડની કામગીરી સાથે સંકળાયેલા તમામ કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ ચૂકવતા પહેલા કોન્ટ્રાક્ટરો દ્વારા કરેલ કામગીરીની તપાસ વિજિલન્સ વિભાગ દ્વારા કરાવવામાં આવે અને જાગૃત નાગરિકો દ્વારા કરેલ આર.ટી.આઈ નો જવાબ ચોક્કસ જગ્યાએ, યોગ્ય સમય મર્યાદામાં અને ચોક્કસ અધિકારી દ્વારા આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.


વર્ષ 2023 માં ગણેશકુંડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાથી, વિજિલન્સ તપાસ કરાવ્યા પછી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોનને કરેલ ફરિયાદની આરટીઆઇ નો જવાબ આપવામા ઠાગાઠૈયા કરતા જવાબદાર અધિકારીઓ !